***
શ્રીકૃષ્ણ ભગવાન ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારે નંદ-યશોદા, રાધા – ગોપીઓ અને વ્રજવાસીઓને થયેલ દુ:ખ અને એમનો વિલાપ, ભગા-ચારણની આ રચનામાં દર્શાવેલ છે.. ઉદ્ધવજી પાસે કરેલી ફરિયાદ – વિનંતી બધું જ એકદમ દર્દ ભર્યું છે ..!!..જાણે એ લોકોની તો દુનિયા લુંટાઈ ગઈ ..!! કોઈ ને ખાવાપીવાના હોશ નથી..બસ.. કૃષ્ણને યાદ કરીને દિવસો વિતાવે છે.. પ્રાર્થના કરે છે કે, કૃષ્ણ કહે એમ કરીશું પણ બસ કૃષ્ણ પાછા આવે ..!!
( આ વિરહ વ્યથાને ક્યારેક આપણે ”ગોપીગીત”માં સાંભળીશું..જે એકદમ કરૂણરસથી ભરપૂર છે.. )
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી…હે મનાવી લેજો રે…
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી…માને તો મનાવી લેજો જી..!
મથુરાના રાજા થ્યા છો, ગોવાળોને ભૂલી ગ્યા છો,
માનીતી ને ભૂલી ગ્યા છો રે..
એ ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કે’જો જી..
માને તો મનાવી લે’જો રે…મારા વ્હાલાને વઢીને કે’જો જી..!
એકવાર ગોકૂળ આવો, માતાજીને મ્હોંઢે થાવો,
ગાયો ને હંભારી જાઓ રે..હે ઓધાજી એમ મારા વ્હાલાને…
વ્હાલાની મરજીમાં રહેશું, જે કહેશે તે લાવી દેશું,
કુબજાને પટરાણી કે’શું રે….હે ઓધાજી એમ મારા વ્હાલાને…
તમે છો ભક્તોના તારણ, એવી અમને હૈયા ધારણ,
હે ગુણ ગાય ભગો ચારણ…હે ઓધાજી એમ મારા વ્હાલાને…
સરખી સાહેલી સાથે, કાગળ લખ્યો મારા હાથે,
વાંચ્યો નહીં મારા નાથે…….હે ઓધાજી એમ મારા વ્હાલાને…
મથુરાને મારગ જાતા, લૂંટી તમે માખણ ખાતા,
તોડ્યા કેમ જુના નાતા રે……હે ઓધાજી એમ મારા વ્હાલાને…
હે માને તો મનાવી લેજો રે…
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કે’જો જી…માને તો મનાવી લેજો જી..!
***
***
ગોપીઓએ તો સહેલાઈથી કહી દીધું ..કૃષ્ણ અમને ભૂલી ગયા.. પરંતુ ક્યારેય ગોપીઓએ કે આપણે, કૃષ્ણને થતી વિરહ વ્યથાની અનુભૂતિ કરી ? મથુરામાં એમને તો ફરજ નિભાવવા – જવાબદારી પૂર્ણ કરવા જવું પડ્યું .. પરંતુ શું એમનું હૈયું એમની પાસે હતું ? એમને કશુંય યાદ નહિ આવતું હોય ? કૃષ્ણ અમને ભૂલી ગયા એ કહેવું સહેલું છે પણ ..એ તો કાન્હાની જગ્યાએ, આપણી જાતને મુકીને, તેના હૈયામાં ઉતરીને વિરહની અનુભૂતિને મહેસુસ કરીએ, ત્યારે સમજાય કે એમની હાલત કેવી હતી ..!
ખરેખર, આ બંન્ને ગીતો જ્યારે પણ સાંભળીએ.. અશ્રુઓ વરસી પડે..!!
નંદ બાવા ને માતા જશોદાજી સાંભરે, મમતા મોટી મારી… રહી ગઇ ગોકુળમાં
સોના રૂપાના અહીં વાસણ મજાના, કાંસાની થાળી મારી… રહી ગઇ ગોકુળમાં
છપ્પન ભોગ કેવા સ્વાદના ભરેલા, માખણ ને રોટી મારી… રહી ગઇ ગોકુળમાં
હીરા મોતીના હાર મજાના, ગૂંજાની માળા મારી… રહી ગઇ ગોકુળમાં
હીરા માણેકના મુકુટ જડેલા, મોરપીંછ પાઘ મારી… રહી ગઇ ગોકુળમાં
હાથીને ઘોડા ઝુલે અંબાડિયે, ગોરી ગોરી ગાવડી મારી…રહી ગઇ ગોકુળમાં
સારંગીના સૂર ગુંજે મજાના, વહાલી મારી વાંસળી… રહી ગઇ ગોકુળમાં
રાધાજીને એટલું કહેજો ઓધવજી, અમી ભરી આંખ મારી… રહી ગઇ ગોકુળમાં
નંદ બાવા ને માતા જશોદાજી સાંભરે, મમતા મોટી મારી… રહી ગઇ ગોકુળમાં
મમતા મોટી મારી… રહી ગઇ ગોકુળમાં
મમતા મોટી મારી, રહી ગઇ ગોકુળમાં..મમતા મોટી મારી, રહી ગઇ ગોકુળમાં..!!
***











![uddhava-gopies[1]](https://samnvay.fenalllotiya.co/shriji/wp-content/uploads/2010/05/uddhava-gopies1.jpg)


22 Responses to Mara Vhalane../ Nandbawa ne..
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments